સંક્ષિપ્ત પરિચય
નગ૨પાલિકાનો સંક્ષિપ્ત પરિચય, ૨૦ ૨૭ અક્ષાંશ અને ૭૧ ૧૩ પૂર્વ રેખાંશ પર સૌરાષ્ટની લગભગ મધ્યમાં આવેલું અમરેલી ધનરાશિનો અને પૂર્વષાઢા નક્ષત્રનો પ્રદેશ છે. સ્વભાવથી એ ભારે વિચિત્ર છે. એની વિચિત્રતા સદીએ સદીએ રંગ બદલતી અમરેલીમાં પ્રત્યક્ષ થાય છે. અમરેલી ક્યારે વસ્યું, કોણે વસાવ્યું એની કડીબદ્ધ વિગતો મળતી નથી. ઈ.સ. પંદરમી સદીના શિલાલેખો અમરેલી કહે છે.
ઈ.સ. છઠ્ઠી સદીના વલભી તામ્રપત્રમાં ‘આનુમંજી’ કહી છે. તો વલભીના જ રાજા ધરસેન (ઈ.સ. ૫૭૧) બીજાના સમયના તામ્રપત્રમાં ‘અમ્બ્રીલિકા’ ગામનો ઉલ્લેખ છે. શ્રી નાગનાથ મહાદેવ મંદિરમાં સચવાયેલા ઈ.સ. ૧૮૧૭ ના શિલાલેખમાં ‘અમરવલ્લી’ અને ‘ગીર્વાણવલ્લી’ તરીકે નિર્દેશાઈ છે. સંશોધક, વિવેચક શ્રી નરોત્તમ પલાણ અમરેલીનું મૂળ નામ અમરસ્થલી, આમ્રસ્થલી કે આમ્રપદ હોવાનું અનુમાન કરે છે.